બોલીવુડના પીઢ અને શ્રેષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષની ઉંમરના અભિનેતાને હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને માત્ર બે થી ત્રણ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
તેમના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલાં રૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સારી છે અને થોડા દિવસોમાં તેમને રજા આપવામાં આવશે. આ બધું ઉંમર સંબંધિત છે અને એક નિયમિત પ્રક્રિયા છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ડો. જલીલ પાર્કરે જણાવ્યું કે, પ્રેમ ચોપરાને બે દિવસ પહેલા તેમના ફેમિલી કાર્ડિયોલોજિસ્ટ ડો.નીતિન ગોખલેની દેખરેખ હેઠળ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ICUની જરૂર નથી અને તેઓ રૂમ અને વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. તેમનો હૃદય સાથે સંબંધિત સમસ્યા ઉપરાંત તેમને વાયરસ અને ફેફસાના ઇન્ફેક્શનનો પણ સામનો છે જેના માટે અમે તેઓની સારવાર કરી રહ્યા છીએ.