અમેરિકાના ટેક્સાસ એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ-1893 સાથે ભયાનક ઘટના બની. ઓર્લાન્ડોથી ઓસ્ટિન જતું બોઇંગ 737 વિમાન અચાનક મુશ્કેલીમાં આવ્યું, જ્યારે લેન્ડિંગ પહેલાં મુસાફરોએ જોયું કે પાંખના પાછળના ભાગમાં ફ્લૅપનો એક ભાગ છૂટો પડીને હવામાં લટકવા માંડ્યો. આ દ્રશ્ય જોયા બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને કેબિનમાં ચીસો ગુંજાઈ ઉઠ્યા.
પાયલોટે તાત્કાલિક પરિસ્થિતિને સંભાળી વિમાનનું સલામત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો. ઘટનાની પુષ્ટિ કર્યા બાદ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ તપાસ શરૂ કરી છે. ફ્લૅપ્સ પાંખનો એવો ભાગ છે જે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન વિમાનને વધારાની લિફ્ટ આપે છે. આવી તકનીકી ખામી મુસાફરોના જીવ માટે ગંભીર જોખમ બની શકે છે.
ડેલ્ટા એરલાઇન્સે આ ઘટનાને લઈને સત્તાવાર નિવેદન જારી કર્યું છે. કંપનીએ જણાવ્યું કે વિમાનને સેવામાંથી દૂર કરી સમારકામ હાથ ધરાયું છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી પણ માંગી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત છે.