દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. એક પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો, તેના પડઘા ઘણા કિલોમીટર સુધી સંભળાયા. પોલીસ સ્ટેશનની ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થયો, અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા અને 300 ફૂટ દૂર માનવ અવશેષો વિખરાયેલા મળી આવ્યા.
ડીજીપીએ કર્યો ખુલાસો
ડીજીપી પ્રભાતે જણાવ્યું કે, “આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.” તેમણે આ ઘટનામાં કોઈપણ પ્રકારના આતંકવાદી એંગલ કે બહારના હસ્તક્ષેપની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
કેવી રીતે બની દુર્ઘટના?
ડીજીપીએ માહિતી આપી કે દિલ્હી બ્લાસ્ટના સંદર્ભમાં હરિયાણાના ફરીદાબાદથી જપ્ત કરવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીને તપાસ માટે નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ વિસ્ફોટકોની સેમ્પલિંગની પ્રક્રિયા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. શુક્રવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે, જ્યારે FSLની ટીમ સેમ્પલ લઈ રહી હતી, ત્યારે અચાનક આકસ્મિક વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં કેસના તપાસ અધિકારી એસઆઈ ઈસરાર સહિત 9 લોકોના મોત થયા છે.
મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા
આ અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા છે, જેમાં પોલીસકર્મીઓ, FSL ટીમના સભ્યો, બે ફોટોગ્રાફર અને બે મહેસૂલ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 32 લોકો ઘાયલ થયા છે. ડીજીપીએ જણાવ્યું કે કાટમાળ હટાવવાનું કામ હજુ ચાલુ હોવાથી મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. આ ઘટનાએ આતંકવાદી ષડયંત્રની અટકળો પર વિરામ મૂકી દીધો છે અને હવે તપાસ પ્રક્રિયામાં થયેલી ચૂક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.