ગુજરાતમાં આજે જાહેર થયેલા પેટાચૂંટણીના પરિણામોમાં કડી વિધાનસભા બેઠક પર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર સામે 38 હજારથી વધુ મતોની જંગી લીડ મેળવીને ભવ્ય જીત હાંસલ કરી છે. આ જીત બાદ કડીના વતની અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પહેલા પોતાની પ્રતિક્રિયા આપી હતી.
કડીની જનતાનું ભાજપને સમર્થન
પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે અનેક ચૂંટણીઓ પછી તે વિધાનસભાની હોય, લોકસભાની હોય, તાલુકા કે નગરપાલિકાની હોય, કડી શહેર અને તાલુકાની જનતા તથા તમામ કાર્યકરો અને મતદારો ભાજપને સમર્થન આપે છે. આ વખતે પણ અમારી કડીની પેટાચૂંટણી હતી અને આ પેટાચૂંટણીમાં અમારા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને અત્યાર સુધી મળેલી છેલ્લી માહિતી મુજબ 38 હજારથી વધુ મતોની લીડ મળી છે.
કોંગ્રેસને અમે હંમેશાં હરાવતા આવ્યા છીએ
કોંગ્રેસને અમે હંમેશા હરાવતા આવ્યા છીએ. આ વખતે પણ કડીની જનતાએ કોંગ્રેસને પરાજય આપ્યો છે. કડીની બેઠક પર કોંગ્રેસવાળા અફવા ફેલાવી રહ્યા હતા કે આ વખતે ભાજપમાં મતદાન ઓછું થયું છે અને પ્રજા તેમની સાથે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલથી માંડીને અનેક નેતાઓ કડીમાં પ્રચાર માટે આવ્યા હતા અને કડીની જનતાને જુદી જુદી રીતે ગેરમાર્ગે દોરવા ગામડા-શહેરમાં નાની મોટી સભાઓ કરી હતી. જોકે, કડીની જનતાએ ફરી એકવાર ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરીને કોંગ્રેસના દાવાઓને ખોટા સાબિત કર્યા છે.
કડી ભાજપનો ગઢ
આગળ તેમણે કહ્યું કે મારા વખતથી અને અત્યાર સુધી કડીની જનતા ભાજપના કામોથી પ્રેરાઇ છે. વિપક્ષના કુપ્રચાર છતાં કડીની જનતાએ ભાજપને ટેકો આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોરના વતન જાલોડામાં કોંગ્રેસ કરતા ભાજપને વધારે મત આપ્યા છે. કડી ભાજપનો ગઢ છે અને વર્ષોથી હું ત્યાં ચૂંટાતો હતો.