Wednesday, Nov 5, 2025

ભાજપ ગરીબોને અંગ્રેજીથી વંચિત રાખવા માગે છે: રાહુલ ગાંધીએ શાહ પર સાધ્યું નિશાન

2 Min Read

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગરીબોના બાળકો અંગ્રેજી શીખે તેવું ઈચ્છતા નથી.’ નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ‘ભારતમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ શરમ અનુભવશે.’

અંગ્રેજી શરમ નથી, તે શક્તિ છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ અંગ્રેજી બંધ નથી, તે એક પુલ છે. અંગ્રેજી શરમ નથી, તે શક્તિ છે. અંગ્રેજી સાંકળ નથી, તે સાંકળો તોડવાનું એક સાધન છે. ભાજપ-આરએસએસ ગરીબ બાળકો અંગ્રેજી શીખે તેવું ઇચ્છતા નથી. તે નથી ઇચ્છતા કે ગરીબ બાળકો અભ્યાસ કરે, સવાલો પૂછે, આગળ વધે અને સમાનતા પ્રાપ્ત કરે. આજના સમયમાં, અંગ્રેજી તમારી માતૃભાષા જેટલું જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે રોજગાર આપશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે.’

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ સાથે રાહુલ ગાંધી એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, ‘અંગ્રેજી એક હથિયાર છે. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે ગમે ત્યાં એન્ટ્રી કરી શકો છો. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે અમેરિકા, જાપાન અને બીજે ક્યાંય પણ જઈ શકો છો. તમે ગમે ત્યાં કામ કરી શકો છો. જે લોકો અંગ્રેજીનો વિરોધ કરે છે તેઓ નથી ઈચ્છતા કે તમને કરોડો રૂપિયાની નોકરી મળે. તેઓ ઇચ્છે છે કે તમારા માટે દરવાજા બંધ રહે.’

જાણો શું છે વિવાદ
એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ‘ભારતમાં ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ પોતાને શરમ અનુભવશે. આવા સમાજનું નિર્માણ દૂર નથી. તમે તમારી સંસ્કૃતિ, ધર્મ અને ઈતિહાસને વિદેશી ભાષામાં સમજી શકતા નથી. આપણા દેશની ભાષાઓ આપણા આભૂષણ છે. વર્ષ 2047માં ભારતને વિશ્વમાં ટોચ પર રાખવામાં આપણી ભાષાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.’ કેન્દ્રીય ગૃહમંત્રીના આ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો હતો.

Share This Article