Sunday, Feb 22, 2026

AI સમિટના હોબાળા બાદ ભાજપનું દેશભરમાં વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધી સામે નારેબાજી

1 Min Read

AI સમિટ દરમિયાન થયેલા હોબાળા બાદ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરમાં એકસાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પક્ષે કોંગ્રેસ અને તેના નેતાઓ સામે દેશભરમાં આક્રોશ વ્યક્ત કર્યો છે.

દિલ્હીમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કાર્યકરો ‘કોંગ્રેસ–રાહુલ ગાંધી = ગદ્દાર’ અને ‘દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે’ જેવા પોસ્ટર સાથે નારેબાજી કરતા નજરે પડ્યા હતા.

બીજી તરફ, મુંબઈના મુલુંડ વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના કાફલાને કાળા ઝંડા બતાવી વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધી અહીંથી ભિવંડી જઈ રહ્યા હતા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સંબંધિત કેસમાં શનિવારે ભિવંડી કોર્ટમાં તેમની હાજરી હતી.

રાજ્યના સુરતમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપ કાર્યકરોએ અલગ-અલગ સ્થળોએ દેખાવો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં સ્થિત ભારત મંડપમમાં યોજાયેલી AI સમિટ 2026 દરમિયાન ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભારત–અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું, જેના પગલે આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો.

Share This Article