લોકસભાની સુરત બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર

Share this story

સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના સંગ્રામના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો સોમવારે બપોરે બે વાગ્યે અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીત્યા છે. આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. જેથી ઈતિહાસમાં પ્રથમવાર સુરત લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યા છે.

Imageસુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ ૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે. જ્યારબાદ ભાજપના નેતાઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, પૂનમબેન માડમ અને કિરીટ પરમારે શુભેચ્છા પાઠવી છે. તો કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસની ભૂલનું આ પરિણામ છે.’ તો પરેશ ધાનાણીએ કહ્યું કે, સુરતની પહેલી ઘટના નથી અને છેલ્લી પણ નથી.

સુરતની બેઠક પરથી કુલ ૧૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં ફોર્મ ચકાસણી વખતે ૬ ઉમેદવારના ફોર્મ રદ થયા હતાં. હવે ચૂંટણી જંગમાં ૯ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા ૮ ઉમેદવારો મેદાનમાં હતા. આ ૮માંથી બાકીના ૮ ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. જેથી ન સર્જાયો હોય તેવો ઈતિહાસ સર્જાયો છે.

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે વાંધા અરજી કરી હતી અને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારની દરખાસ્ત કરનારા જેન્યુન નહીં હોવાની મારી પાસે માહિતી છે. જે અંગેની જાણ કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ ભૌતિક કોલડીયના કરવામાં આવી હતી. ગઇકાલે સુનાવણી હાથ ધરાઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં દરખાસ્ત તરીકે સહી કરનારા જગદીશ સાવલીયા, રમેશ પોલરા અને ધ્રુવિન ધામેલિયા ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહ્યાં હતા અને ફોર્મમાં પોતાની સહી નહી હોવાનું જણાવ્યું હતું અને એફિડેવિટ પણ કરી હતી.

આ પણ વાંચો :-