સુરત શહેરમાં સ્ટંટબાજોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ખાસ કરીને યુવાધન સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવા માટે જાહેર માર્ગો પર લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તાજેતરમાં મોટા વરાછા રિંગરોડ પર બાઈક સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા સ્ટંટ કરનાર સગીરના પિતા પાસે જાહેર માફી મંગાવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના મોટા વરાછા રિંગરોડ પર એક બાઈક સવારે પોતાની બાઈકનું આગળનું વ્હીલ ઊંચું કરી ભયજનક રીતે સ્ટંટ કર્યા હતા. નવાઈની વાત એ છે કે, આ સ્ટંટબાજે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ તો પહેર્યું હતું, પરંતુ જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકોની સુરક્ષાને નેવે મૂકી હતી. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઉત્રાણ પોલીસ એક્શનમાં આવી હતી.
ઉત્રાણા પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું કે બાઈક ચલાવનાર કોઈ પુખ્ત વયનો યુવક નહીં પરંતુ એક સગીર હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સગીર અને તેના પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. કાયદાકીય જોગવાઈઓ મુજબ સગીર સંતાનની ભૂલ બદલ તેના પિતાએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.
પોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ પોતાના પુત્રની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપી હતી. પોલીસે પિતા પાસે માફી મંગાવી હતી જેથી અન્ય વાલીઓ પણ જાગૃત થાય અને પોતાના સગીર સંતાનોને વાહન આપતા પહેલા સો વાર વિચારે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સ્ટંટબાજી ચલાવી લેવામાં આવશે નહીં.