બિહારના પૂર્ણિયાથી અપક્ષ ચૂંટણી જીતનાર પપ્પુ યાદવ સામે ચૂંટણી જીત્યાના ૬ દિવસ બાદ જ કેસ નોંધવામાં આવ્યો છે. પૂર્ણિયાના એક મોટા ફર્નિચર વેપારીએ પપ્પુ યાદવ પર ૧ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ લગાવ્યો છે. પૂર્ણિયા પોલીસના જણાવ્યા અનુસાર મુજબ પીડિત વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ૪ જૂને મત ગણતરીના દિવસે પપ્પુ યાદવે તેને પોતાના ઘરે બોલાવીને રૂપિયા ૧ કરોડ આપવાનું કહ્યું હતું. આ બાદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો અપક્ષ સાંસદ પપ્પુ યાદવે પણ આ બાબતે પોતાનો જવાબ આપ્યો છે.
પોલીસને ફરિયાદ કરતા વેપારીએ જણાવ્યું કે, ૨ એપ્રિલ, ૨૦૨૧ના રોજ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દ્વારા તેની પાસેથી ૧૦ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય બિઝનેસમેને એ પણ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩માં દુર્ગા પૂજા દરમિયાન વોટ્સએપ કોલ પર તેની પાસેથી ૧૫ લાખ રૂપિયા અને બે સોફા સેટની માંગની સાથે-સાથે ધમકીઓ અને અપશબ્દો પણ કરવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે, પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં સાંસદ પપ્પુ યાદવ અને તેમના નજીકના સાથી અમિત યાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૮૫/૫૦૪/૫૦૬/૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે સાંસદ પપ્પુ યાદવે પ્રતિક્રિયા આપતાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે, આજે દેશ અને પ્રદેશની રાજનીતિમાં મારા વધતા જતા પ્રભાવ અને સામાન્ય લોકોના વધતા પ્રેમથી પરેશાન લોકોએ પૂર્ણિયામાં ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે. એક અધિકારી અને વિરોધીઓના આ ષડયંત્રનો પર્દાફાશ થશે. સુપ્રીમ કોર્ટ હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ દોષિત હોય તેને ફાંસી આપવી જોઈએ.
જણાવી દઈએ કે તાજેતરની ચૂંટણી જીત્યા બાદ પપ્પુ યાદવ પહેલીવાર દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પપ્પુ યાદવ આ લોકસભા ચૂંટણીમાં પૂર્ણિયાથી કોંગ્રેસની ટિકિટ ઇચ્છતા હતા, પરંતુ મહાગઠબંધનમાં સીટ શેરિંગ હેઠળ પૂર્ણિયાની સીટ લાલુ યાદવની પાર્ટી આરજેડીના ભાગે જતાં કોંગ્રેસના પપ્પુ યાદવને ટિકિટ મળી નહોતી. જેથી પપ્પુ યાદવે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી. જેમાં તેઓ વિજેતા પણ થયા છે.
આ પણ વાંચો :-