હરિયાણા ચૂંટણી પહેલાં જ બીજેપીના નેતા અશોક તંવર એકવાર ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ TMCP અને આમ આદમી પાર્ટીમાં પણ રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણીમાં સિરસાથી કુમારી સૈલજાને પડકાર આપ્યો હતો પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. સૂત્રો અનુસાર, અશોક તંવર વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ બીજેપીએ તેમને ટિકિટ આપી નહીં. આ વાતથી અશોક તંવર નારાજ હતા. પાર્ટીના ઘણા મોટા નેતાઓને મળીને તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમને ટિકિટ આપવામાં આવે પરંતુ એવું થઈ શક્યું નહીં.
લોકસભા ચૂંટણી પહેલાં અશોક તંવર બીજેપીમાં જોડાયા હતા. તેમનું બીજેપીમાં જોડાવું બીજેપી માટે મોટી સફળતા માનવામાં આવી કારણ કે તંવર હરિયાણામાં મોટો દલિત ચહેરો છે. બીજેપી અશોક તંવર દ્વારા કોંગ્રેસ પર ‘દલિત વિરોધી’ હોવાનો આરોપ પણ લગાવતી રહી. પરંતુ હવે કોંગ્રેસે ફરીથી તેમને પાર્ટીમાં સામેલ કરીને બીજેપીને મોટો આંચકો આપ્યો છે.
કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર અશોક તંવર કોંગ્રેસમાં સામેલ થવાની માહિતી આપી છે. કોંગ્રેસે કહ્યું કે, પાર્ટી કોંગ્રેસે સતત શોષિત અને વંચિતોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો છે અને બંધારણની રક્ષા માટે સંપૂર્ણ ઈમાનદારી સાથે લડત આપી છે. અમારા સંઘર્ષ અને સમર્પણથી પ્રભાવિત થઈને આજે ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ સાંસદ, હરિયાણામાં ભાજપની પ્રચાર સમિતિના સભ્ય અને સ્ટાર પ્રચારક અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પરિવારમાં ફરી સ્વાગત છે, ભવિષ્ય માટે શુભકામનાઓ.
આ પણ વાંચો :-