કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય છે, જેનાથી દેશના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69 થી વધુ પેન્શનરોને સીધો ફાયદો થશે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો અને સંયુક્ત સલાહકાર તંત્રના કર્મચારી પક્ષ સાથે પરામર્શ કર્યા પછી પગાર પંચ માટેની સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
પગાર પંચની રચના દર 10 વર્ષે કરવામાં આવે છે, જેનો હેતુ સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારો કરવાનો હોય છે. 8મું પગાર પંચ તેની રચનાના 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. કેન્દ્ર સરકારે જુલાઈમાં સંસદને જાણ કરી હતી કે તેણે ૮મા પગાર પંચની રચના અંગે મુખ્ય હિસ્સેદારો પાસેથી સૂચનો માંગ્યા છે. કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ અગાઉ જણાવ્યું હતું કે સરકાર પગાર પંચની ભલામણો સ્વીકાર્યા પછી તેનો અમલ કરવામાં આવશે.અગાઉ 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી, અને તેની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવી હતી.
જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરાઇ
8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈનને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.8મા પગાર પંચ પછી સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે અંગે કોઈ સત્તાવાર ડેટા જાહેર થયો નથી, પરંતુ નોંધપાત્ર વધારાની અટકળો ચાલી રહી છે. પગાર પંચ તેની ભલામણો ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ મૂળભૂત પગારના આધારે કરે છે. 7 મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ ગણો હતો, જ્યારે 8મા પગાર પંચમાં તે 3 થી 3.42 ગણો થવાની ધારણા છે.
નોંધનીય છે કે જો ફિટમેન્ટ ફેક્ટર 3 ગણો પણ આધાર તરીકે ઉપયોગ કરવામાં આવે, તો લોઅર ડિવિઝન ક્લાર્ક (જેનો ગ્રેડ પે ₹1,900 છે અને 7મા પગાર પંચ હેઠળ મૂળ પગાર ₹18,000 છે) નો પગાર ₹59,700 સુધી પહોંચી શકે છે. હાલમાં HRA, DA અને મુસાફરી ભથ્થા સહિત તેમનો પગાર લગભગ ₹37120 થી ₹39370 સુધી પહોંચે છે.