છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનેએ મહાદેવ એપ કૌભાંડમાં તેમને આરોપી બનાવ્યા છે અને તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહાદેવ બેટિંગ એપના રૂ. 6000 કરોડના ઓનલાઈન સટ્ટા કૌભાંડથી જોડાયેલા કેસમાં CBIએ બઘેલનું નામ FIRમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલાં એજન્સીએ ચાર રાજ્યોમાં 60 સ્થાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં બઘલેના નિવાસસ્થાન, અમુક અમલદાર અને પોલીસ અધિકારીઓનાં ઘર સામેલ હતાં. તેમને છ નંબરના આરોપી બનાવ્યા છે.
FIRમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને પ્રોટેક્શન મની તરીકે મોટી રકમ આપી. જેથી તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક્શન લેવામાં ન આવે. આ રૂપિયા હવાલા દ્વારા પોલીસ અને તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા અને પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હતા. આ રીતે ઘણા પોલીસ અને તંત્રના અધિકારીઓએ પોતાને ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો. એજન્સીએ 18 ડિસેમ્બર 2024એ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી.
મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી હતી. તેની પર યુઝર્સ પોકર જેવા કાર્ડ ગેમ્સ અને અન્ય ગેમ રમી શકતાં હતાં. આ એપ દ્વારા ક્રિકેટ, ફુટબોલ, બેડમિન્ટન, ટેનિસ, જેવી રમતોમાં સટ્ટાબાજી પણ કરવામાં આવતી હતી. તેની શરૂઆત 2019એ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકારે કરી હતી.