હાથરસમાં ૧૨૧ લોકોના મોત બાદ ફરાર સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર વિશ્વ હરી પહેલીવાર મીડિયા સામે આવ્યા છે અને નિવેદન આપ્યું છે. સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાએ કહ્યું છે, ૨ જુલાઈની ઘટના બાદ અમે ખૂબ જ વ્યથિત છીએ. બાબાએ કહ્યું, ભગવાન આપણને આ દુ:ખની ઘડીને પાર કરવાની શક્તિ આપે. તમામ સરકારી વહીવટમાં વિશ્વાસ જાળવી રાખો. અમને વિશ્વાસ છે કે, જેઓ ઉપદ્રવી છે તેમને બક્ષવામાં આવશે નહીં.

બાબાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે થોડીક સેકન્ડ માટે ચૂપ રહે છે. ત્યારબાદ તે કહે છે કે, ‘ભગવાન આપણને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સરકાર અને વહીવટી તંત્ર પર વિશ્વાસ રાખો. મને વિશ્વાસ છે કે જેણે પણ અરાજકતા ફેલાવી છે તેને બક્ષવામાં આવશે નહીં. અમારા વકીલ એપી સિંહ દ્વારા સમિતિના સભ્યોને પીડિત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવા અને જીવનભર મદદ કરવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બીજી જુલાઈના રોજ બાબાના સત્સંગમાં થયેલી ભાગદોડમાં ૧૨૧થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ૧૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે ૧૭ લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે.
આ પણ વાંચો :-