કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નવા લેબર કોડના વિરોધમાં દેશભરના વિવિધ ટ્રેડ યુનિયનોએ મોરચો માંડ્યો છે. આ કાયદાઓને ‘મજૂર વિરોધી’ ગણાવીને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેની વ્યાપક અસર ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાશે
નિષ્ણાતો અને વેપારી સંગઠનોના અંદાજ મુજબ, આ હડતાલને કારણે ગુજરાતમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો પ્રભાવિત થઈ શકે છે.બેન્કિંગ અને પરિવહન સેવાઓને અસરઆ હડતાલમાં બેંકિંગ યુનિયનો પણ જોડાયા હોવાથી ચેક ક્લિયરન્સ અને અન્ય બેંકિંગ કામગીરી ખોરવાઈ છે. આ ઉપરાંત, ટેક્સટાઈલ માર્કેટ, હીરા ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરના કર્મચારીઓ પણ વિરોધમાં હોવાથી માલસામાનની હેરફેર પર માઠી અસર પડી છે.
ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા યુનિયનો આ બંધમાં જોડાયા હોવાથી બજારમાં મોટી નાણાકીય લેવડ-દેવડ અટકી જવાની શક્યતા છે.
શા માટે થઈ રહ્યો છે વિરોધ?
ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે નવા લેબર કોડમાં કામદારોના અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો છે. તેમની મુખ્ય માગણીઓ નીચે મુજબ છે:
- નવા ચાર લેબર કોડ તાત્કાલિક રદ કરવામાં આવે.ખાનગીકરણની પ્રક્રિયા રોકવામાં આવે.
- મોંઘવારી પર અંકુશ મેળવવામાં આવે અને લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે.
- કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી કાયમી રોજગારી આપવામાં આવે.
અમદાવાદના મજૂર સંગઠનોનું કહેવું છે કે સરકાર જો તેમની માંગણીઓ નહીં સંતોષે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. અત્યારે તો આ બંધને કારણે વેપારીઓ અને સામાન્ય જનતાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.