ગાંધીનગરઃ 25 સપ્ટેમ્બર, 2025: ગુજરાત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લેતાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની સત્તાવાર જાહેરનામું જાહેર કર્યું છે. આ વિભાજનના પરિણામે, ગુજરાતના નકશા પર હવે બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા છે: બનાસકાંઠા અને વાવ-થરાદ. લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે આ વિભાજનનો નિર્ણય લીધો છે. આ પગલાથી ત્યાંના નાગરિકોને સરકારી સેવાઓ અને વિકાસ કાર્યોનો લાભ ઝડપથી અને સરળતાથી મળી શકશે.
નવા જિલ્લાઓનું માળખું અને તાલુકાઓનું વિભાજન
વિભાજન બાદ, બંને જિલ્લાઓમાં નીચે મુજબ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:
- બનાસકાંઠા જિલ્લો (મુખ્ય મથક: પાલનપુર)
નવા બનાસકાંઠા જિલ્લાનું વહીવટી કેન્દ્ર પાલનપુર રહેશે. આ જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ થાય છે, જેમાં મુખ્યત્વે:
- પાલનપુર
- વડગામ
- દાંતા
- હદદ
- અમીરગઢ
- દાંતીવાડા
- ડીસા
- કાંકરેજ
- ઓગદ
- ધનેરા
- વાવ-થરાદ જિલ્લો (મુખ્ય મથક: થરાદ)
નવગઠિત વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. આ જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ થાય છે:
- દેવદર
- લાખણી
- થરાદ
- વાવ
- ધરણીધર
- ભાભર
- રાહ
- સુઈગામ
વહીવટી તંત્રને સરળતા અને વિકાસને મળશે ગતિ
સરકારનો મુખ્ય હેતું આ જિલ્લા વિભાજન દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવાનો છે. બનાસકાંઠા એક મોટો જિલ્લો હોવાથી, વહીવટ કરવા માટે દૂરના વિસ્તારો સુધી સેવાઓ પહોંચાડવી મુશ્કેલ હતી. હવે વાવ-થરાદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે કાર્ય કરશે, જેનાથી સરકારી યોજનાઓનો લાભ તેના દૂરસ્થ વિસ્તારો સુધી ઝડપથી પહોંચશે અને પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે. સુશાસન અને સ્થાનિક લોકોની સુવિધાની દૃષ્ટિએ આ નિર્ણય એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.