ભારતીય ટીમના કેપ્ટન અને સિક્સર કિંગ રોહિત શર્મા માટે કોંગ્રેસના નેતાએ કરેલી ટિપ્પણી પછી જોરદાર વિવાદનું નિર્માણ થયું છે. કોંગ્રેસનાં નેતા ડોક્ટર શમા મોહમ્મદે રોહિત શર્મા અંગે (બોડી શેમિંગ)ની કરેલી ટિપ્પણી પછી વિવાદનું નિર્માણ થયું છે. આ મુદ્દે અનેક રાજકીય પ્રતિક્રિયાઓ મળી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ શમા મોહમ્મદના નિવેદનથી અંતર રાખ્યું છે, ત્યારે બીસીસીઆઈએ આકરો જવાબ આપ્યો છે.
બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ શમા મોહમ્મદના નિવેદનની ટીકા કરી છે. દેવજીત સૈકિયાએ કહ્યું છે ભારતીય ટીમના કેપ્ટન અંગે આ પ્રકારનું નિવેદન આપવાનું નિંદનીય છે. કેપ્ટન વિના પણ રોહિત શર્મા ટીમ ઈન્ડિયામાં મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. અત્યારના તબક્કે ભારતીય ટીમ આઈસીસી ટૂર્નામેન્ટની સેમી ફાઈનલ રમવા સજ્જ છે ત્યારે આ પ્રકારનું નિવેદન હકીકતમાં નિંદનીય છે.
આ મામલે TMC સાંસદ સૌગત રોયે કહ્યું, ‘રોહિત શર્મા વિશે જે કહેવામાં આવ્યું તેની સાથે હું સંપૂર્ણ રીતે સંમત છું. શમા મોહમ્મદે આ એક રાજકારણી તરીકે નહીં પરંતુ એક દર્શક તરીકે કહ્યું છે. રોહિત શર્માને કેટલા દિવસ માટે છૂટ આપવામાં આવશે. તેણે બે વર્ષમાં એકવાર સદી ફટકારી છે અને તે 2, 5, 10 અને 20 રનમાં આઉટ થાય છે.’
કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે રોહિત શર્મા વિશે ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ‘રોહિત એક ખેલાડી તરીકે જાડો છે. તેને વજન ઘટાડવાની જરૂર છે અને હા, તે ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.’
કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદે વિવાદ વધવા પર પોતાની પોસ્ટને લઈને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ‘મારી ટ્વીટ એક ખેલાડીની ફિટનેસને લઈને સામાન્ય ટ્વિટ હતી. જેમાં કોઈના મેદસ્વીપણાને મજાક બનાવવામાં આવી નથી. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ખેલાડીએ ફિટ હોવું જોઈએ અને મને લાગે છે કે રોહિત શર્મા થોડો જાડો છે. તો મે આ વિશે ટ્વિટ કરી દીધી. મારી ઉપર કારણ વિના નિશાન સાધવામાં આવી રહ્યું છે. મે તેમની પૂર્વ કેપ્ટન સાથે સરખામણી કરી અને આ મારો અધિકાર છે. આ કહેવામાં શું ખોટું છે? આ લોકશાહી છે.’