Monday, Dec 8, 2025

આઝમ ખાનને બે પાન કાર્ડ રાખવાના કેસમાં કોર્ટે સાત વર્ષની સજા ફટકારી…

2 Min Read

ઉત્તર પ્રદેશના સપા નેતા આઝમ ખાન અને તેના પુત્રની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. જેમાં એમપી એમએલએ કોર્ટે આઝમ ખાનને બે પાન કાર્ડ રાખવાના કેસમાં સાત વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આ કેસના તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને પણ દોષી ઠેરવ્યો છે. આઝમ ખાન 23 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. જોકે, આ સજા ફટકારાતા તેમને હવે ફરી જેલમાં જવું પડશે.

અરજીકર્તા આકાશ સકસેનાને ખુશી વ્યક્ત કરી
આ અંગે ભાજપના નેતા આકાશ સક્સેનાએ વર્ષ 2019માં આઝમ ખાન અને તેમના પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આઝમ ખાન બે પાન કાર્ડનો ઉપયોગ કરે છે અને બંનેમાં તેમની ઉંમર અલગ છે. હવે કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. તેમજ કોર્ટના આ ચુકાદા બાદ અરજીકર્તા આકાશ સકસેનાને ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે સત્યની જીત થઈ છે.

55 દિવસ બાદ તેમને ફરીથી સજા ફટકારવામાં આવી
ઉલ્લેખનીય છે, સપા નેતા આઝમ ખાનને ઓક્ટોબર 2023 માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમના પર અનેક ગુનાઓ દાખલ છે. જેના પરિણામે વિવિધ કેસોમાં ચુકાદાઓ જાહેર થતાં તેઓ જેલમાં રહ્યા. સપ્ટેમ્બર 2025 માં આઝમખાનને બધા કેસોમાં જામીન આપવામાં આવ્યા હતા અને 23 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, હવે 55 દિવસ બાદ તેમને ફરીથી સજા ફટકારવામાં આવી છે. આ વખતે તેમના પુત્ર અબ્દુલ્લાને પણ તેમની સાથે સજા ફટકારવામાં આવી છે.

Share This Article