દેશમાં અરવલ્લી પર્વતમાળા મુદ્દે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને રાજધાની દિલ્હીમાં પ્રદર્શનો ચાલુ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી છે. તેમજ ફરી એકવાર અરવલ્લી મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમજ પ્રશ્ન કર્યો કે પર્વતમાળાની વ્યાખ્યામાં આટલા ખામીયુક્ત ફેરફારને આગળ વધારવા સરકાર શા માટે આગ્રહ કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ લગાવ્યો કે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ મુદ્દા પર દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરાયેલા એક સમાચાર અહેવાલને ટાંકીને કહ્યું, હવે એ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી અરવલ્લી મુદ્દા પર સંપૂર્ણ સત્ય નથી કહી રહ્યા અને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેમણે કહ્યું કે, અરવલ્લીની વ્યાખ્યામાં મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ફેરફારોનો ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા, સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સેન્ટ્રલ પ્રિવિલેજ કમિટી અને સુપ્રીમ કોર્ટના એમિકસ ક્યુરી દ્વારા સ્પષ્ટ અને સખત વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમ છતાં કેન્દ્ર સરકાર આ વ્યાખ્યાને અનુસરવા પર અડગ છે. કોંગ્રેસનો આરોપ છે કે નિષ્ણાત સંગઠનોના વાંધાઓને અવગણના કરતું આ પગલું પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.
આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ પણ આ મુદ્દે મોદી સરકારની આલોચના કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ખનન માફિયાઓને સંરક્ષણ આપી રહી છે. સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપની મિલીભગતને કારણે દક્ષિણ હરિયાણાના અનેક જિલ્લાઓમાં આ ગેરકાયદે ખાણકામનો વ્યવસાય માફિયાઓ માટે મોટા નફાનો સ્ત્રોત બની ગયો છે. તેમણે કહ્યું કે અરવલ્લી પર્વતમાળા, જે આપણા પર્યાવરણ અને પ્રાણવાયુ માટે પર્યાય છે. તેનું રક્ષણ કરવાને બદલે ભાજપ ખનન માફિયાઓને રક્ષણ આપીને ગેરકાયદે સંપત્તિનો પર્વત બનાવવામાં વ્યસ્ત છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલયની ભલામણોને સ્વીકારીને અરવલ્લી ટેકરીઓ માટે એક નવી વ્યાખ્યા સ્વીકારી છે. જેમાં ફક્ત 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ સંરક્ષિત ગણવામાં આવશે. આ નિર્ણયથી અરવલ્લી ટેકરીઓમાંથી લગભગ 90 ટકાને સંરક્ષણમાંથી બાકાત રાખી શકાય છે. જેનાથી મોટા પાયે ખનનની શક્યતા વધી શકે છે.