બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેક બાદ હવે પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કરાયો હોવાનો દાવો કરાયો છે. આ હુમલામાં ઘણા સૈનિકો માર્યા ગયા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી અને દાવો કર્યો કે, આ હુમલામાં 90 પાકિસ્તાની સૈન્ય સૈનિકો માર્યા ગયા.
બલૂચ લિબરેશન આર્મી (BLA)એ રવિવારે પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો કરવાનો દાવો કર્યો છે. BLA અનુસાર, તેમના માજીદ બ્રિગેડ અને ફતેહ બ્રિગેડે સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો.આમાં 90 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા.
BLA અનુસાર, ક્વેટાથી કફ્તાન જઈ રહેલા 8 લશ્કરી વાહન પર હુમલો કર્યો હતો. આત્મઘાતી લડવૈયાઓએ નોશ્કીમાં હાઇવે નજીક વાહનોને નિશાન બનાવ્યા. નોશ્કીના એસએચઓ ઝફરઉલ્લાહ સુલેમાનીએ જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન સેનાના કાફલા સાથે અથડાવ્યું હતું.
આ પછી BLAની ફતેહ સ્ક્વોડના લડવૈયાઓએ સેનાના કાફલામાં ઘૂસીને સૈનિકોને મારી નાખ્યા. જે વાહન પર આત્મઘાતી હુમલો કર્યો હતો એ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.સુલેમાનીના જણાવ્યા મુજબ, ઘાયલોને નોશ્કીની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ વિસ્તારમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. માત્ર 5 દિવસ પહેલાં BLAએ એક પેસેન્જર ટ્રેનની હાઇજેક કરી હતી. એમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢ્યાં હતાં.