Sunday, Oct 26, 2025

બાંગ્લાદેશમાં એરફોર્સ બેઝ પર હુમલો, એકનું મોત

1 Min Read

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન પછી પાડોશી દેશમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. બાંગ્લાદેશના કોક્સ બજારમાં સોમવારે બાંગ્લાદેશ એરફોર્સના બેસ પર અસામાજિક તત્વો તરફથી કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા એક વ્યકિતનું મોત થયું છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

એર ફોર્સ બેઝ પર હુમલો થયા બાદ સ્થિતિ વણસી છે અને સેનાના જવાનો સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. બાંગ્લાદેશના સશસ્ત્ર દળના જનસંપર્ક વિભાગ અને ઈન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ સત્તાવાર પ્રેસ રિલિઝ કરીને કહ્યું કે, સમિતિ પારા વિસ્તારમાં બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં અથડામણ ચાલી રહી છે અને સ્થિતિ વણસી જતા વધુ કાફલો ખડકવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર,એન્કાઉન્ટર દરમિયાન પીડિતને ગોળી વાગી હતી. કોક્સ બજાર જિલ્લા હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. દરમિયાન, કોક્સ બજારના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ સલાહુદ્દીને જણાવ્યું હતું કે હુમલાનું કારણ નક્કી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવશે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને વધુ વકરી રહેલી પરિસ્થિતિને રોકવા માટે કામ કરી રહ્યા હોવાથી વિસ્તારમાં સુરક્ષા પગલાં વધારી દેવામાં આવ્યા છે. હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Share This Article