Friday, Oct 31, 2025

બદસુરતને ‘ખૂબસુરત’ બનાવનાર પાયાના અધિકારી અશ્વિન મહેતા ક્યારેય નહીં ભુલાય

7 Min Read
  • રાજમાર્ગ, ઉધના રોડનું ઐતિહાસિક િડમોલિશન આજે પણ સેંકડો પરિવારોના મનમાં ખટકતુ હશે, દર પેઢી દરથી વસવાટ કરતા લોકોને શહેરના હિત માટે સમજાવવામાં અશ્વિન મહેતાની ભૂમિકા નિર્ણાયક રહી હતી અને લોકોએ હસતાં હસતાં િમલકતો ખાલી કરી દીધી હતી
  • ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, મશીનથી શહેરના માર્ગોની સફાઈની કામગીરી અશ્વિન મહેતાના ફરજકાળ વખતે જ શરૂ થઈ હતી
  • સુરત મહાપાિલકાની આર્થિક કરોડરજ્જુ સમાન જકાત આવકમાં લૂંટ ચલાવતા માથાભારે જકાતચોરો સામે પણ માથે કફન બાંધીને અશ્વિન મહેતાએ જ બાથ ભીડી હતી અને અનેક વખત ગોળીઓનો પણ સામનો કર્યો હતો
  • પરંતુ અફસોસ… કોઈક અગમ્ય કારણોસર અશ્વિન મહેતાએ સુરત મહાપાિલકાની નોકરીમાંથી સમય પહેલા રાજીનામુ ધરી દીધું હતું! જીંદગીના પાછલા વર્ષોમાં િરલાયન્સ, કલ્પતરૂ અને મહિલા યુનિવર્સિટી વનિતા િવશ્રામમાં સેવા આપતા રહ્યા હતા
  • સુરતને દુનિયામાં બદનામ કરી ગયેલી પ્લેગની મહામારી, તાપીની ભીષણ રેલ, ભૂકંપ સહિતની હોનારતો વખતે ઘુંટણ સુધી પેન્ટ ચઢાવીને દોડતા અશ્વિન મહેતાને ઘણાંએ જોયા હશે

નૂતન વર્ષનાં પ્રારંભે સુરતે એક નખશિખ સજ્જન, પૂર્વ અધિકારી, બૌદ્ધિક આગેવાન તેમજ સુરતનાં વિકાસમાં, સુરતને માળખાગત સુવિધા આપવામાં અને ગંદા-ગોબરા સુરતને સ્વચ્છ કરી દેશ અને દુનિયાને સુરત બદલાઈ રહ્યું હોવાનો અહેસાસ કરાવનાર ‘કર્નલ’ના ઉપનામથી જાણીતા સુરત મહાનગરપાલિકાનાં પૂર્વ ડેપ્યુટી કમિશનર અશ્વિન મહેતાને ગુમાવ્યા હતા.

સદાય હસતો ચહેરો અને સુરતના વિકાસ માટે સુરતની માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટે સતત ચિંતન કરતા રહેતા અશ્વિન મહેતાએ તા.૪ નવેમ્બર ૨૦૨૪ની વહેલી સવારે અચાનક આ દુનિયાને અલવિદા કરીને અનંતની વાટ પકડી હતી. લોકો નૂતન વર્ષાભિનંદન કરી રહ્યા હતા, બીજી તરફ સુરતને નવી ‘સૂરત’ આપનાર અશ્વિન મહેતા કાળપથારીમાં પોઢી ગયા હતા.
મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ સાવ અચાનક આવીને ઊભું રહે ત્યારે કુદરતને પણ પૂછવાનું મન થઈ જાય કે તું આટલી હદે નિર્દય કેમ બની શકે?

અનાવિલ દેસાઈ સમાજમાંથી આવતા અશ્વિન મહેતા નખશિખ સુરતી હતા. તેમના રોમરોમમાં સુરતીપણું ધબકતું હતું. ગંદા-ગોબરા સુરતની વાત તેમના મનને કોરી ખાતી હતી, પરંતુ એકલા હાથે કામ કરવું અઘરું હતું. સુરત મહાનગરપાલિકામાં તેઓ ડેપ્યુટી કમિશનર હતા પરંતુ તે પૂર્વે સુરત ડેવલપમેન્ટ ઓથોરિટી ‘સુડા’માં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને મામલતદાર તરીકેની નોકરી પડતી મૂકીને સુરત મહાનગરપાલિકામાં જોડાઈ ગયા હતા.

સુરતને બદનામ કરી ગયેલી ‘પ્લેગ’ની બીમારી બાદ સુરત શહેરમાં આવેલા આક્રમક બદલાવ વખતે અશ્વિન મહેતાને સુરતની સૂરત બદલવાની મનની ઇચ્છા પૂરી કરવાની તક મળી ગઈ હતી.
એક તરફ પ્લેગની મહામારી અને બીજી તરફ બદલાતી રાજકીય કરવટ; સુરતનો રાજમાર્ગ પહોળો કરવાની ઐતિહાસિક ડિમોલિશનની ઘટના આજે પણ લોકોને યાદ હશે. જે સ્થળે લોકોએ દર પેઢી દર પસાર કરી હોય, સૈકાઓથી વેપાર કરતા આવ્યા હોય, એ મિલકતો માત્ર રાજમાર્ગ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવે ત્યારે ભોગ બનેલા પરિવારોની હાલત કેવી થતી હશે? પરંતુ અશ્વિન મહેતાએ અનેક પરિવારોના દિલમાં શહેરના િહતની વાત ઉતારીને  એ પરિવારોને સમજાવ્યા હતા. પરિવારોની નજર સામે જ સેંકડો દુકાનો તોડી પાડવામાં આવી હતી અને રાજમાર્ગ લગભગ ડબલ કરી દેવાયો હતો. અલબત્ત આ બધી કામગીરી દરમિયાન અશ્વિન મહેતાને રાજકીય અને સામાજિક વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.

રાજમાર્ગ બાદ ઉધના મેઈન રોડનું ડિમોલિશન પણ ઐતિહાસિક હતું. બલ્કે એમ કહી શકાય કે ગંદકી માટે બદનામ સુરતને આજે દેખાય છે એવું ખૂબસુરત બનાવવાની પહેલ અશ્વિન મહેતાએ કરી હતી. એવું ચોક્કસ કહી શકાય. અલબત્ત, તેમની ભૂમિકા હંમેશાં પડદા પાછળની રહી હતી.

સુરત મહાનગરપાલિકાની વહીવટી કામગીરીનું વિભાજન એટલે કે ‘ઝોન’ પ્રથાની શરૂઆત પણ અશ્વિન મહેતાના કાર્યકાળ દરમિયાન થઈ હતી અને ‘ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન’ની શરૂઆત પણ સદ્નસીબે અશ્વિન મહેતાની ફરજનો એક ભાગ રહ્યો હતો. તેઓએ ઉધના ઝોનનાં વડા તરીકે પણ ફરજ બજાવી હતી અને શહેરના માર્ગોની સફાઈ મશીન એટલે સ્વીપર મશીનથી કરવાનો સફળ પ્રયોગ કર્યો હતો.
આજે સોસિયો સર્કલ તરીકે પ્રચલિત ઉધના-મગદલ્લા માર્ગ ઉપરની વર્ષો જૂની ઝૂંપડપટ્ટી અને માર્ગો ઉપરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરીને માર્ગને ખુલ્લો કરવાનો યશ ચોક્કસ અશ્વિન મહેતાને આપી શકાય. કુદરતી હોનારત હોય કે બીમારીની મહામારી, અશ્વિન મહેતા હંમેશા આગલી હરોળના અધિકારી રહ્યા હતા.

સુરતની કાયાપલટ વખતે તેમણે મ્યુનિ.કમિ. એસ.આર. રાવ, જગદીશન, અલોરિયા, મહાપાત્ર, એમ.કે. દાસ, પંકજ જોષી, મહેન્દ્ર પટેલ સહિત અનેક સનદી અધિકારીઓ સાથે કામ કર્યું હતું. મહાપાલિકાની નોકરી છોડી દીધા પછી પણ તેમની કટોકટીના સમયે યાદ કરીને તેમની સેવાઓ લેવામાં આવી હતી. અશ્વિન મહેતાનું જીવન અને ફરજકાળ સાથે અનેક ઘટનાઓ વણાયેલા છે. સુરતની ઐતિહાસિક ધરોહર કાયમ યાદ રાખવા અશ્વિન મહેતાએ કરેલી કામગીરી સુરત શહેરના ઇતિહાસમાં લખાયેલી રહેશે.

સુરત મહાપાલિકાની આર્થિક કરોડરજ્જુ સમાન જકાત (ઓક્ટ્રોય)ની આવક વધારવા માટે તેમણે માથે કફન બાંધીને માફિયા જકાતચોરો સામે બાથ ભીડી હતી અને કેટલીક વખત ગોળીબારની ઘટનાઓમાંથી પણ પસાર થયા હતા. એક સમય એવો પણ હતો કે, માફિયા જકાતચોરો અશ્વિન મહેતાના લોહી માટે તરસ્યા બન્યા હતા, પરંતુ અશ્વિન મહેતાએ પણ મોતનો ભય રાખ્યા વગર જકાતચોરો સામે વળતી બાથ ભીડતા તેમને લોકો ‘કર્નલ’ તરીકે ઓળખતા થયા હતા.

જકાત નાબૂદ થઈ ગયાને દાયકાઓ પસાર થઈ ગયા, પરંતુ રીઢા જકાતચોરો આજે પણ અશ્વિન મહેતાના નામનો ખોફ અનુભવતા હશે.
સુરતની ઓળખ સમા ગોપીતળાવનું નવસર્જન પણ અશ્વિન મહેતાની ફરજનો જ એક ઝળહળતો ભાગ ગણી શકાય.

પરંતુ અફસોસ… હંમેશાં બનતું આવ્યું છે તેમ અશ્વિન મહેતાએ કોઈક અગમ્ય કારણોસર સુરત મહાનગરપાલિકાની નોકરીમાંથી નિવૃત્તિના સમય પહેલાં જ રાજીનામું આપીને સેવા મુક્ત થઈ ગયા હતા. નોકરી છોડવા પાછળના કારણોની િજંદગીના અંત સુધી કોઈને પણ ગંધ આવવા દીધી નહોતી. સુરત મહાનગરપાલિકા બાદ રિલાયન્સ અને ત્યારબાદ કલ્પતરૂ કંપનીમાં અને સુરતની જાણિતી મહિલા યુનિવર્સિટી વનિતા વિશ્રામમાં પણ ફરજ બજાવી હતી.

હંમેશા મુસ્કુરાતો ચહેરો અને મજાકિયા સ્વભાવના અશ્વિન મહેતા હવે સુરતના માર્ગો અને સુરતના સામાજિક પ્રસંગોમાં જોવા નહીં મળે, પરંતુ સુરત શહેરના માળખાગત વિકાસમાં તેમણે આપેલા યોગદાનની વાતો હંમેશા સંભળાતી રહેશે.
ગંદકીમાં સબડતું સુરત અને ‘સફાઈમાં દેશનું નંબર વન સ્વચ્છ સુરત’ના ઇતિહાસનો જ્યારે જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવશે ત્યારે ત્યારે અશ્વિન મહેતા ફરી ફરીને લોકોની નજર સામે તરવરી ઊઠશે.

આ પણ વાંચો :-
Share This Article