દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલ પંજાબ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. એવી પણ અટકળો છે કે તેમને પંજાબ તરફથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. એવામાં કેજરીવાલ વિપશ્યના માટે પરિવાર સાથે પંજાબના હોશિયારપુર પહોંચ્યા હતાં. ત્યારે કેજરીવાલ પર વિરોધ પક્ષ (ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળ)ના નેતાઓએ નિશાન સાધ્યું હતું.
કેજરીવાલ વિપશ્યના કેન્દ્ર પહોંચ્યા ત્યારે તેમની સાથે પંજાબ પોલીસના 100થી વધુ કમાન્ડો પણ હતા. ભાજપે કહ્યું કે એક સમયે કેજરીવાલ વેગન આર કારમાં મુસાફરી કરતા હતા અને આમ આદમી હોવાનો ડોળ કરતા હતા, તેઓ જામરથી સજ્જ બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝર કારમાં હોશિયારપુર આવ્યા હતા અને તેમની સાથે પંજાબ પોલીસના 100થી વધુ કમાન્ડો પણ હતા.
દિલ્હી સરકારના પ્રધાન અને ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ 50 વાહનો અને 100થી વધુ કમાન્ડોના કાફલા ઇપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, લેન્ડ ક્રુઝર કાર સાથે કેવા પ્રકારનું ધ્યાન કરવા જઈ રહ્યા છે? ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે શું તમે 100 ગનમેન વિના વિપશ્યના ન કરી શકો? તેઓ કેવા પ્રકારની શાંતિની શોધ છે? શું પંજાબના કરદાતાઓ પાસેથી પૈસા લઈને વિપશ્યના માટે ભવ્ય પરેડની જરૂર છે? સીએમ ભગવંત માન પણ આ કાફલામાં નથી. ‘આપ’નું સત્ય જાહેર થઇ ગયું છે.