શ્રીનગરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના ઠેકાણાં નષ્ટ કર્યા બાદ હવે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદવિરોધી ઝુંબેશ વધુ ઝડપી બનાવી છે. કિશ્તવાડ જિલ્લાના સિંગપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે.
કિશ્તવાડ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. હાઈ એલર્ટ ઓપરેશનમાં આજે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. કિશ્તવાડના ચટરૂ હેઠળ આવેલા સિંહપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. અગાઉ 16 મેના રોજ થયેલી અથડામણમાં કેલાર, શોપિયાં અને ત્રાલમાં બે જુદા-જુદા અભિયાનો હેઠળ છ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.
BSF કમાન્ડન્ટએ જણાવ્યું હતું કે અમે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો છે. અમે તેમની ઘણી પ્રોપર્ટીનો નાશ કર્યો. મસ્તપુરમાં તેમનું એક લોન્ચપેડ હતું, જેને અમે નષ્ટ કરી દીધું. અમારી કાર્યવાહીને કારણે તેમની પાંચ ચોકીઓ સંપૂર્ણપણે નાશ પામી અને અમે તેમનાં ઘણાં બંકરોનો પણ નાશ કર્યો છે.