ડાંગ જિલ્લાના સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર આજે (28 જાન્યુઆરી) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નાશિકથી જોધપુર તરફ જઈ રહેલી સૈન્યની એક ગાડી વળાંક પર કાબૂ ગુમાવતાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીમાં સવાર 13 જવાન પૈકી 9 જવાનને ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સૈન્યનો કાફલો મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહ્યો હતો. આ ગાડીમાં સૈન્યની તોપ પણ લાદેલી હોવાનું જાણવા મળ્યું છે. સાપુતારાના ડુંગરાળ વિસ્તારના કપરા વળાંકો ઉતરતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને ડાંગ જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘાયલ જવાનોને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના શામગહાન સીએસસી (CSC) સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે તમામ ઈજાગ્રસ્ત જવાનોને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.