Wednesday, Jan 28, 2026

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો: દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

1 Min Read

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશમંત્રી ફિરોઝ મલેકે પક્ષમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે કોંગ્રેસના એક બાદ એક કાર્યકરો રાજીનામા આપી રહ્યા છે, જેના કારણે પક્ષની સ્થિતિ કફોડી બની છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં 13 તૂટે જેવી છે. થોડા દિવસ પહેલા શહેર કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું હતું. જેના ગણતરીના જ કલોકમાં ફિરોઝ મલેકે રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામું આપતા ફીરોઝ મલેકે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ ચક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. સતત અવગણના, નબળા નેતૃત્વ અને ઈચ્છાશક્તિ વગરના સુરત અને પ્રદેશ નેતૃત્વ સાથે તાલમેલ બનાવવું ખુબ અઘરું લાગી રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, 33 વર્ષ કોંગ્રેસ પક્ષના સૈનિક તરીકે ખુબ કામ કર્યું, પણ હવે માન સન્માનના ભોગે વધુ રોકાવાય તેમ નથી. પોતાના માણસોને સેટ કરવાના મોહમાં કોંગ્રેસ પક્ષને નુકશાન કરવાના કાર્યક્રમમાં હું સહભાગી થઈ શકું તેમ નથી. એટલે તમામ પદ પરથી રાજીનામું આપી મુક્ત થઈ રહ્યો છું.

Share This Article