Saturday, Oct 25, 2025

વડોદરાની વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂં

1 Min Read

વડોદરામાં વધુ એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હરણી રોડ પર આવેલી સિગ્નસ વર્લ્ડ સ્કુલને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ મળતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો શાળાએ દોડી ગયો છે. અને શાળાનું સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. જેની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે.

બોમ્બની શોધમાં ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમોએ સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અગાઉ પણ કેટલીય સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.બોમ્બની ધમકીના પગલે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર નીકાળ્યા છે. સાથે સાથે સ્કૂલનો સ્ટાફ પણ ભયમાં જોવા મળ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહરેમાં છેલ્લા 12 દિવસમાં શહેરની ત્રણ અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યા છે.આ પહેલા શહેરની નવરચના સ્કૂલને ઉડાવવાની ધમકી મળ્યાના સતત બીજા દિવસે વડોદરાની વધુ એક રિફાઇનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Share This Article