ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે, અવારનવાર અકસ્માતના સમાચાર પ્રકાશિત થાય છે, ત્યારે વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી, જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે.
અકસ્માતમાં ટ્રકનો કુચડો બોલી ગયો
ગત મોડી રાત્રે ધોળકા-બગોદરા હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. અકસ્માતમાં પતિ, પત્ની અને તેમના નાનકડા પુત્રનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો કુચડો બોલી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમને ભારે મહેનત કરવી પડી.
અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી
આ અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ, બગોદરા તરફ જતા ટ્રકને ખાનપુર ફાટક નજીક એક અજાણ્યા વાહનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકનો આગળનો ભાગ તૂટી ગયો હતો. અકસ્માત સર્જનારા અજાણ્યા વાહન ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. મોડી રાતે થયેલા અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
એક જ પરિવારના ત્રણ જીવ ગુમાવ્યા
આ દુર્ઘટનામાં પતિ, પત્ની અને તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને કોઈ બચાવવાનો સમય મળ્યો ન હતો. સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે 108 ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ ત્રણેયનું મોત થયું હતું. જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજા થવાને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી
ધોળકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્ર ખસેડ્યા છે. અજાણ્યા વાહન ચાલકની શોધ માટે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. અકસ્માતના કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ ક્રેનની મદદથી વાહન દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. પોલીસ હાલ તપાસ ચાલુ રાખી છે અને ભાગી ગયેલા વાહન ચાલકને ઝડપી પાડવા માટે કડક પગલાં લઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ રોડ પર અનેક અકસ્માતની ઘટનાઓ બની છે તેમ છતાં લોકો બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અકસ્માત સર્જે છે, જેમાં નિર્દોષ લોકોના જીવ હોમાય જાય છે. અકસ્માતને કારણે સમગ્ર વિસ્તાર ભય અને શોકમાં ડૂબી ગયો હતો.