Saturday, Mar 7, 2026

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ટોળાએ માર માર્યા બાદ આગ લગાવી દીધી

2 Min Read

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઇસ્લામિક ટોળા દ્વારા હુમલો કરાયેલા વધુ એક હિન્દુ વ્યક્તિનું શુક્રવારે મૃત્યુ થયું. બાંગ્લાદેશમાં એક વેપારી ખોખન દાસ પર થોડા દિવસો પહેલા ઇસ્લામિક ટોળાએ હુમલો કર્યો હતો. તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને પછી આગ લગાવી દેવામાં આવી હતી. સારવાર હેઠળ રહેલા ખોખનનું શુક્રવારે મૃત્યુ થયું છે. તેમના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

બાંગ્લાદેશ સરકાર તરફથી કોઈ મદદ નહીં
ખોકોન દાસના એક સંબંધીએ જણાવ્યું કે ખોકોનનું મૃત્યુ સવારે 8:45 વાગ્યે થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. મૃતદેહ હજુ સુધી પરિવારને સોંપવામાં આવ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે બાંગ્લાદેશ સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. સંબંધીએ કહ્યું કે ખોકોન પર હુમલો કરનારા ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. ખોકોનના પરિવારમાં તેની પત્ની અને ત્રણ પુત્રો છે. તેઓ તેમના પરિવારના એકમાત્ર કમાનાર હતા.

છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં ટોળાની હિંસામાં હિન્દુઓની હત્યાનો આ ચોથો બનાવ છે. અગાઉ, દીપુ દાસ, અમૃત મંડલ અને બજેન્દ્ર બિશ્વાસ નામના હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી.

ખોકોન દાસ ઢાકાથી 150 કિલોમીટર દૂર આવેલા પોતાના ગામમાં દવા અને મોબાઇલ બેંકિંગનો વ્યવસાય ચલાવતા હતા. બુધવારે દુકાન બંધ કરીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઇસ્લામિક ટોળાએ તેમના પર હુમલો કર્યો. ત્યારબાદ તેમના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. ખોકોન આગ ઓલવવા માટે તળાવમાં કૂદી પડ્યા હતા.

તળાવમાં કૂદકો માર્યા બાદ પણ ખોખન દાસ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમના શરીર પર ઊંડા ઘા પણ હતા. સ્થાનિક લોકો શરૂઆતમાં તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને ઢાકાની મોટી હોસ્પિટલમાં ખસેડવા કહ્યુ, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, ખોખન દાસનું આજે મૃત્યુ થયું છે.

બાંગ્લાદેશમાં છેલ્લા 15 દિવસમાં ચાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરે અમૃત મંડલની હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા બજેન્દ્ર બિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે, ખોખન દાસનું પણ મોત થયું છે.

Share This Article