Thursday, Mar 26, 2026

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થતી નથી, ED પછી હવે CBIના દરોડા

3 Min Read

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. CBIએ RCOM અને મુંબઈમાં અનિલ અંબાણીના પરિસરમાં દરોડા પાડ્યા છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમના ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા અને અનિલ અંબાણીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સીબીઆઈના આ દરોડા બેંક ગોટાળા કેસમાં પાડવામાં આવ્યા છે. આ કેસ એસબીઆઈમાંથી 2000 કરોડની લોનમાં ગોટાળાને લગતો છે. 13 જૂન 2025ના રોજ એસબીઆઈએ આ એકાઉન્ટને નકલી જાહેર કરી રદીધું હતું. ત્યારપછી એસબીઆઈએ તેની માહિતી આરબીઆઈને આપી હતી.

પ્રારંભિક અહેવાલો અનુસાર, EDએ CBI પહેલાં અનિલ અંબાણીને નવી દિલ્હીના મુખ્યમથકમાં બોલાવીને 17,000 કરોડ રૂપિયાના બેંક લોન ગોટાળા અંગે ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન EDએ અનિલ અંબાણીને શેલ કંપનીઓને લોન મોકલવામાં આવી હતી કે કેમ? રાજકીય પક્ષોને પૈસા આપવામાં આવ્યા હતા કે કેમ? અને કોઈ અધિકારીને લાંચ આપવામાં આવી હતી કે કેમ? જેવા સવાલો પૂછ્યા હતા. તેમને એક અઠવાડિયા પછી ફરી હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ગયા મહિને EDએ દિલ્હી અને મુંબઈમાં અનિલ અંબાણી સાથે જોડાયેલા 35 સ્થળો પર રેડ કરી હતી. આ રેડ મની લોન્ડરિંગની તપાસ હેઠળ કરવામાં આવી હતી, જેમાં 50 કંપનીઓની તપાસ કરવામાં આવી અને 25 લોકો સાથે પૂછપરછ કરવામાં આવી. EDની પ્રારંભિક તપાસમાં બેંકો, શેરધારકો, રોકાણકારો અને જાહેર સંસ્થાઓને છેતરીને જનતાના પૈસાની ગેરરીતિની આયોજિત યોજનાનો ખુલાસો થયો હતો.

આ કેસમાં 2017 થી 2019 ની વચ્ચે યસ બેંકે રિલાયન્સ અનિલ અંબાણી ગ્રૂપની RAAGA કંપનીઓને લગભગ 3,000 કરોડ રૂપિયાની લોન આપી હતી. EDનો દાવો છે કે તેણે એક ગેરકાયદેસર વ્યવહાર વ્યવસ્થાનો પર્દાફાશ કર્યો, જેમાં યસ બેંકના પ્રમોટરોએ લોન સ્વીકારતા પહેલાં તેમની ખાનગી કંપનીઓમાંથી પેમેન્ટ લીધું હતું. આ ફ્રોડ SBIના 2000 કરોડના ગોટાળા સાથે જોડાયેલો હોઈ શકે છે, કારણ કે અનિલ અંબાણી ગ્રૂપ પર ઘણી બેંકોમાંથી લોન લઈને ડિફોલ્ટ કરવાના આરોપો છે. આ ગોટાળાની કુલ રકમ 20,000 કરોડ રૂપિયાથી વધુની લાગે છે, જેમાં SBI, યસ બેંક અને અન્ય લોનનો સમાવેશ થાય છે.

અનિલ અંબાણી પહેલેથી જ દેવાળિયા પ્રક્રિયાનો સામનો કરી ચૂક્યા છે, અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ જેવી તેમની ગ્રૂપ કંપનીઓ દેવામાં ડૂબેલી છે. આ રેડ તેમના પર વધતા દબાણને દર્શાવે છે. ED મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે, જ્યારે CBI ફ્રોડ અને ભ્રષ્ટાચાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આગળ પૂછપરછ અને ધરપકડની શક્યતા છે. આ મામલો રિલાયન્સ ગ્રૂપની અન્ય કંપનીઓ સુધી ફેલાઈ શકે છે, અને RBI તેમજ SEBI પણ સામેલ થઈ શકે છે. આની અસર રોકાણકારો અને શેરધારકો પર પડશે અને રિલાયન્સના શેરોમાં ઉતાર-ચઢાવ શક્ય છે.

Share This Article