Thursday, Oct 23, 2025

બહુમત ન મળે તો પ્લાન બીની અમિત શાહની જાહેરાત

2 Min Read

લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક અલગ ઈન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યુમાં અમિત શાહે લોકસભા ચૂંટણી, ૪૦૦ સીટોનો ટાર્ગેટ અને દિલ્હી દારૂ કૌભાંડ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની જીત થશે અને વડાપ્રધાન મોદી જંગી બહુમતી સાથે સત્તામાં આવશે.

અમિત શાહને પૂછવામાં આવ્યું કે, ‘જો ભાજપ ૪ જૂને ૨૭૨ના આંકડા સુધી ન પહોંચી શકે તો શું થશે?’ તેના પર અમિત શાહે કહ્યું, ‘મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. ૬૦ કરોડ લાભાર્થીઓની મજબૂત સેના પીએમ મોદીની સાથે ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેમને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેઓ જાણે છે કે પીએમ નરેન્દ્ર મોદી શું છે અને શા માટે ૪૦૦ સીટો આપવી જોઈએ.

જો ભાજપ બહુમતીના આંકડા સુધી ન પહોંચે તો શું કોઈ પ્લાન B છે? આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પ્લાન B ત્યારે જ બનાવવાની જરૂર છે જ્યારે પ્લાન Aની સફળ થવાની સંભાવના ૬૦% થી ઓછી હોય. અમિત શાહે કહ્યું કે મને ખાતરી છે કે વડાપ્રધાન મોદી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે.

વિપક્ષી નેતાઓ રેલીઓમાં સતત આરોપ લગાવી રહ્યા છે કે જો NDA ૪૦૦થી વધુ સીટો જીતશે તો તે બંધારણમાં ફેરફાર કરશે. જ્યારે અમિત શાડને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારી પાસે છેલ્લા ૧૦ વર્ષથી બંધારણ બદલવાની બહુમતી હતી પરંતુ અમે કયારેય એવું કર્યુ નથી.

તેમણે વધુમાં કહ્યું કે ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા બહુમતનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય અમિત શાહે દિલ્હીમાં દારૂ કૌભાંડને લઈને ફરી એકવાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ જ્યાં પણ જશે ત્યાં લોકોને દારૂ કૌભાંડ યાદ આવશે.

આ પણ વાંચો :-

Share This Article