જ્યોર્જિયાના ફોર્ટ સ્ટુઅર્ટ લશ્કરી બેઝ પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટતાં ચકચાર મચી ગઈ છે. આ ફાયરિંગમાં 5 સૈનિકો ઘાયલ થયા હતા. આ હુમલો લશ્કરી બેઝના 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં થયો હતો. સેનાએ તેને સ્નાઈપર દ્વારા કરવામાં આવેલ હુમલો ગણાવ્યો છે. ફોર્ટ સ્ટુઅર્ટના સત્તાવાર ફેસબુક પેજ પર જાહેર કરાયેલી માહિતી અનુસાર, એજન્સીઓએ ગોળીબાર પછી તરત જ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને હવે આ પરિસરને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે.
લશ્કરી બેઝને અસ્થાયી રૂપે બંધ કરાયોજ્યોર્જિયાના ફોર્ટ સ્ટુઅર્ટ લશ્કરી બેઝ પર અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 5 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થાનિક સમય મુજબ સવારે 11 કલાક પછી સાવચેતી રૂપે લશ્કરી બેઝને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. એફબીઆઈ અને તેને સંબંધિત એજન્સીઓ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિની ઓફિસ વ્હાઈટ હાઉસ તરફથી આ ઘટના બાદ સત્તાવાર નિવેદન જાહેર કરવારમાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પએ આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો અને કહ્યું, અમે સ્થાનિક એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છીએ. હું ફોર્ટ સ્ટુઅર્ટ ખાતેની આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. ફોર્ટ સ્ટુઅર્ટ અમેરિકાના સૌથી મોટા લશ્કરી થાણાઓમાંનું એક છે, જ્યાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત છે. આ ગોળીબારની ઘટનાએ સેનાની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.