અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ રશિયા ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં આવ્યું છે. રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતને જે ડિસ્કાઉન્ટ રેટે ઓઇલ મળે છે તે યથાવત્ રહેશે અને જો અમેરિકન બજારમાં ભારતીય માલ માટે અવરોધ ઊભા થશે તો રશિયન બજારો ભારતીય માલનું સ્વાગત કરવા તૈયાર છે.
રશિયન રાજદૂત રોમન બાબુશ્કિને જણાવ્યું કે ભારત અને રશિયા વચ્ચે વિશ્વાસના સંબંધો છે, જે સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. તેમણે ભારત સાથે વિશાળ ટ્રેડ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને જણાવ્યું છે કે આ સમયની માંગ છે.
વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું છે કે ભારત પર ટેરિફ લગાવવાનો મુખ્ય કારણ રશિયા પાસેથી ભારત દ્વારા કરવામાં આવતી ઓઇલ ખરીદી છે. હાલના ટેરિફમાંથી 25 ટકા અમલમાં આવી ગયા છે અને બાકીના 25 ટકા 27મી ઓગસ્ટથી લાગુ થશે. તેમ છતાં રશિયાએ દાવો કર્યો છે કે તેની પાસે એવી વ્યવસ્થા છે જે ભારત પર અમેરિકન ટેરિફની અસર થવા નહીં દે.
બાબુશ્કિને વધુમાં જણાવ્યું કે પ્રતિબંધો સામાન્ય રીતે જે દેશ પર લાદવામાં આવે તેના કરતા વધારે અસર પ્રતિબંધ લાદનાર દેશ પર જ થાય છે. બંને દેશોએ 2030 સુધીમાં વેપારને 100 અબજ ડોલર સુધી લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
બ્રિક્સને લઈને બાબુશ્કિને કહ્યું કે તેની સંયુક્ત ઇકોનોમી 77 લાખ કરોડ ડોલરની છે, જ્યારે જી-સેવન દેશોની ઇકોનોમી 57 લાખ કરોડ ડોલરની છે. તેથી બ્રિક્સ હવે વૈશ્વિક સ્તરે મજબૂત પાવર કોરિડોર તરીકે ઉભરી રહ્યું છે.