હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છેકે, રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં ફેરફારના જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની સાથે ક્યાંક હળવા વરસાદની તો ક્યાંક ગાઢ ધુમ્મસ રહી શકે છે. આ સાથે જ તેમણે જાન્યુઆરી મહિનામાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.
અંબાલાલના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ભાગમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી અસર કચ્છ અને સૌરાષ્ટ્રના હવામાન પર જોવા મળશે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં વાતાવરણ બદલાશે, જ્યારે ગિરનાર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી શકે છે.
આ સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં વર્તાશે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, સુઈગામ, રાધનપુર, થરાદ, વાવ અને ડીસા સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને સાણંદ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની વકી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં પણ હવામાન બદલાયેલું રહેશે.