Sunday, Dec 7, 2025

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરતમાં એલર્ટ: રેલવે સ્ટેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં કડક ચેકિંગ શરૂ

2 Min Read

સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધાં છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સુરત રેલવે સ્ટેશન, જે હજારો મુસાફરોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસકાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે. મુસાફરોની બેગ, સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

હોટલોમાં રોકાયેલા મહેમાનોના આઇડી પ્રૂફ તપાસાયા
પોલીસ દ્વારા માત્ર રેલવે સ્ટેશન પૂરતું જ નહીં, પરંતુ એની આસપાસના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. સુરત રેલવે સ્ટેશનની આસપાસમાં આવેલી તમામ હોટલો અને લોજમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગમાં હોટલોમાં રોકાયેલા મહેમાનોના આઈડી પ્રૂફ અને તેમના રોકાણના હેતુની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં આશરો ન લઈ શકે.

સુરત શહેરમાં કોઈ શંકાસ્પદ બાબત સામે ન આવી
એસીપી આર.આર.આહીરે જણાવ્યું કે, પોલીસ દ્વારા ગઈકાલ રાતથી જ આ સંપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં શહેરને સુરક્ષિત ગણી શકાય તેવું ચિત્ર સામે આવ્યું છે. પોલીસ દ્વારા રાત-દિવસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ દ્વારા શહેરમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીના સઘન ચેકિંગ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ સામે આવી નથી, જે સુરત શહેર માટે રાહતની વાત છે.

Share This Article