મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈથી રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું ખાનગી વિમાન જ્યારે બારામતી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાન નિયંત્રણ બહાર ગયું હતું અને રનવે પાસે ક્રેશ થયું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાયલટે વિમાનને સુરક્ષિત ઉતારવા પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી.
કોણ કોણ હતું સવાર?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિમાનમાં અજિત પવારની સાથે તેમના અંગત સચિવ, બે સુરક્ષા ગાર્ડ અને પાયલટ સહિત કુલ 5 થી 6 લોકો સવાર હતા. જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે આખો વિસ્તાર અચાનક ધણધણી ઉઠ્યો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે હાલ અજિત પવારની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતી જવા માટે રવાના થયા હતા. તેઓ પોતાના મતવિસ્તારમાં ખેડૂતોના એક વિશાળ સંમેલન અને વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. આ માટે તેઓ સવારે આશરે 9:00 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પરથી રવાના થયા હતા. કાર્યક્રમના સ્થળે હજારોની સંખ્યામાં સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ લેન્ડિંગના થોડા સમય પહેલા જ આ અકસ્માત સર્જાતા કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
અત્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. એવિએશન સેફ્ટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કે શું આ દુર્ઘટના પાછળ કોઈ જૂનું એન્જિન જવાબદાર હતું કે પછી લેન્ડિંગ સમયે કોઈ અન્ય ખામી સર્જાઈ હતી.