Thursday, Oct 23, 2025

Ahmedabad: પીએમ મોદીના બંદોબસ્તમાં ફરજ બજાવતી બે મહિલાઓનું કરુણ મોત

1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે બંદોબસ્તમાં ફરજ બજાવતા બે મહિલા કર્મચારીઓનું આજે એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. આ ઘટના શહેરના 108 ઇમર્જન્સી સેન્ટર નજીક બની હતી.

મળતી માહિતી મુજબ ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરના કર્મચારી હિરલબેન રાજગોર એક એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટના બાદ સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓ અને લોકોએ તાત્કાલિક બંને મહિલાઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, કમનસીબે, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ અકસ્માતને કારણે ફરજ પરના કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સુરક્ષા બંદોબસ્ત દરમિયાન કર્મચારીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Share This Article