અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં એક ગરબા આયોજક યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મૃતકનું નામ મયંક પરમાર છે. આ બનાવ અંગે વટવા GIDC પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ગઈકાલે બપોરથી સાંજ દરમિયાન, મયંક પરમારે વટવા GIDCની મહાલક્ષ્મી એસ્ટેટમાં આવેલી પોતાની દુકાનમાં ગળેફાંસો ખાધો હતો. મૃતક મયંક પરમારે હાથીજણ સર્કલ નજીક આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં ‘ગેલેક્સી રાસ’ નામે ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું.
સાંજે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લીધો હતો. પોલીસને મૃતક પાસેથી એક નાની ડાયરીના ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, “ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કર્યું હતું જે મારું પોતાનું હતું. તેમાં મારું કોઈ પાર્ટનર નથી.”
વટવા GIDC પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ. પરમારના જણાવ્યા મુજબ, સ્યુસાઇડ નોટમાં મયંક પરમારે સ્પષ્ટ રીતે કોઈ વ્યક્તિનું નામ લખ્યું નથી કે જેના કારણે તેમને આ પગલું ભરવું પડ્યું હોય. પોલીસે હવે સ્યુસાઇડ નોટની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, મયંકે શા માટે આત્મહત્યા કરી તેના ચોક્કસ કારણની પણ પોલીસ તપાસ કરી રહી છે.
મૃતકે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, હું મયંક અમરતલાલ પરમાર, મારા બે ચેક અમિતભાઈ પંચાલ ટોરેન્ટ પાવરમાં કામ કરે છે તેમની પાસે છે. જેમણે મને વ્યાજ પર રૂપિયા આપ્યા હતા. દર 10 દિવસનું 10 ટકા વ્યાજ લેતા હતા. મારા બે ચેક એમની પાસે હશે.ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કર્યું હતું જે મારું પોતાનું હતું. તેમાં મારું કોઈ પાર્ટનર નથી. રૂપિયાની લેવડદેવડ મારી પોતાની હતી. તેમાં જે નામ છે તે ખાલી અને ખાલી સપોર્ટ માટે હતા. તેમાંથી કોઈપણ જવાબદાર નથી. લગભગ બધાનું પેમેન્ટ 90 ટકા આપે છે. જેનાથી કોઈ ખોટી અફવા ના ઉડાવતા.