અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી સ્કાય સિટી ટાઉનશીપમાં ગુરુવારે રાત્રે 11 વાગ્યા આસપાસ 20-25 શખ્સોએ ધોકા અને પાઇપ વડે એક વ્યક્તિ પર ગંભીર હુમલો કર્યો હતો. હુમલામાં ઇસમ ગંભીર રીતે ઘવાયો અને લોહી લુહાણ થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ HD ન્યૂઝના તમામ પ્લેટફોર્મ પર અહેવાલ પ્રસિદ્ધ થયા અને ગણતરીની મિનિટોમાં અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ સક્રિય થઈ ગયા. તેમણે એલસીબી અને બોપલ પોલીસની ટીમ સાથે તાત્કાલિક કાર્યવાહી કરતા માત્ર એક કલાકની અંદર 11 આરોપીઓને ઝડપી પાડ્યા.
આ બનાવ સ્કાય સિટી ટાઉનશીપની સિક્યુરિટી પર અનેક સવાલો ઉભા કરે છે. જો સિક્યુરિટી ગાર્ડ્સએ પોતાનું કામ સારી રીતે કર્યું હોત તો આ હુમલાને રોકી શકાયો હોત. આ ઘટનાની શરુઆત માત્ર બે લોકો વચ્ચેના વિવાદથી થઈ હતી, જે થોડા જ સમયમાં 20-25 લોકોના જૂથમાં ફેરવાઈ ગયો. ટાઉનશીપની સિક્યુરિટી ત્યાં હાજર હોવા છતાં તેમણે પોલીસને જાણ કરી નહોતી અને જો કે, હુમલો શરૂ થયો ત્યારબાદ પણ 108 એમ્બ્યુલન્સને બોલાવવાનો પ્રયાસ નહોતો કરાયો.
એક કલાકમાં 11 આરોપીઓ ઝડપાયા
અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બોપલ પોલીસ અને એલસીબીની ટીમે માત્ર એક કલાકની અંદર 11 આરોપીઓની ધરપકડ કરી, જેનાથી પોલીસની ઝડપભરી કામગીરી જોઈ શકાય છે. હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ તોફાની હુમલાની ઘટનાને કારણે ટાઉનશીપમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક રહેવાસીઓએ ટાઉનશીપમાં વધુ સુરક્ષા વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે. સોસાયટીઓના ચેરમેનો અને સેક્રેટરીઓ આ મામલે શું પગલાં લે છે એ જોવાનું રહેશે.
આ ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ પર IPCની વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે અમદાવાદ ગ્રામીણ પોલીસ સમાજમાં અસામાજિક તત્વોને છૂટ છાટ નહીં આપે અને આવા તોફાનો રોકવા માટે કડક કાર્યવાહી કરશે.