અમદાવાદમાં બેફામ ગતિએ વાહન ચલાવતા નબીરાઓનો વધુ એક નિર્દોષ જીવ પર ભારે પડ્યો છે. રવિવારે મોડી રાત્રે નહેરુનગર પાસે આવેલા ઝાંસી કી રાણી BRTS બસ સ્ટેન્ડ નજીક કાર રેસિંગ કરી રહેલા રોહન સોની નામના યુવાને પૂરપાટ ઝડપે ચલાવી રહેલી બ્રેઝા કારથી બે ટુ-વ્હીલર સવાર યુવાનોને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે આરોપી રોહન સોની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે આ અકસ્માતના સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.
બર્થડે પાર્ટીથી પરત ફરતા ત્રણેય મિત્રો કાર રેસિંગ કરી રહ્યા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત કરનાર રોહન સોની સાથે તેના અન્ય બે મિત્રો પણ કાર રેસિંગ કરી રહ્યા હતા. આ મિત્રોમાં એક દક્ષ નામનો યુવાન થાર કાર ચલાવી રહ્યો હતો, જ્યારે ભવ્ય નામનો યુવાન વોક્સવેગન કાર ચલાવી રહ્યો હતો. આ ત્રણેય મિત્રો એક સ્ત્રી મિત્રના ઘરે બર્થડે પાર્ટીની ઉજવણી કરીને શિવરંજની ફૂડ માર્કેટમાં જમવા જઇ રહ્યા હતા. અકસ્માત સ્થળેથી મળેલા CCTV ફૂટેજમાં બ્રેઝા, થાર અને વર્ના કાર રેસ લગાવતી જોવા મળી હતી. પોલીસે ચેતવણી આપી છે કે જો રોહન સોનીના મિત્રોની કારની સ્પીડ પણ વધુ જણાશે, તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતવાળી કારમાંથી બર્થડે સેલિબ્રેશનનો સામાન પણ મળી આવ્યો છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોની ઓળખ 33 વર્ષીય અસ્ફાક અજમેરી અને તેમના 22 વર્ષીય મિત્ર અકરમ કુરેશી તરીકે થઈ છે, જે જમાલપુરના રહેવાસી હતા. જ્યારે આરોપી રોહન સોની કાંકરિયામાં રહે છે અને તેના પિતા પરેશભાઈ જ્વેલરી શોપ ધરાવે છે. રોહન કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અકસ્માત કરનાર બ્રેઝા કારના નંબર પર કુલ છ ઈ-મેમો બાકી છે, જે ઓવરસ્પીડ અને ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવા જેવી ગેરરીતિઓ સાથે સંકળાયેલા છે. આ ઘટના બાદ નબીરાઓની બેફામ ગાડી ચલાવવાની ટેવ પર ફરીથી સવાલો ઉભા થયા છે.