સલમાન ખાનને મારી નાખવાની ધમકી બાદ હવે બિહારના મજબૂત નેતા અને પૂર્ણિયા લોકસભાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કથિત રીતે ફોન પર ધમકી આપવામાં આવી છે. પપ્પુ યાદવને મળેલી ધમકી બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મળતી માહિતી અનુસાર, પપ્પુ યાદવને 2-2 ગેંગસ્ટરે ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સ દ્વારા અપક્ષ સાંસદને ધમકી આપવામાં આવી છે. આ જ ગેંગે મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી પણ લીધી હતી. હવે પપ્પુ યાદવને તેમના દ્વારા ધમકી આપવામાં આવી છે.
આ ધમકી પપ્પુ યાદવને UAE ના એક નંબર પરથી કોલ કરીને આપવામાં આવી છે. મુંબઈમાં ગોપાલગંજના વતની અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ, પપ્પુ યાદવે ટ્વીટ કરીને લૉરેન્સ બિશ્નોઈને બે ટકાનો ગુનેગાર ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે જો કાયદો પરવાનગી આપે છે, તો તે 24 કલાકની અંદર લૉરેન્સ બિશ્નોઈના નેટવર્ક પર હુમલો કરી દેશે. જણાવી દઇએ કે, લાલુ પ્રસાદ યાદવના જમાનામાં પપ્પુ યાદવે શક્તિશાળી રાજપૂત નેતાઓ સાથે સીધો પંગો લીધો હતો.
મહારાષ્ટ્ર સરકારમાં 3 વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે બાંદ્રામાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પપ્પુ યાદવ પણ જીશાનને મળવા ગુરુવારે મુંબઈ ગયા હતા. જીશાનને મળ્યા બાદ પપ્પુએ કહ્યું હતું કે તે દરેક પરિસ્થિતિમાં બાબા સિદ્દીકીના પરિવારની સાથે છે.
જીશાન સિદ્દીકીને મળ્યા બાદ પપ્પુ યાદવે શુક્રવારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે શૂટિંગ માટે મુંબઈની બહાર હોવાથી તેઓ તેને મળી શક્યા નહોતા. સલમાન ખાન સાથે ફોન પર વાત કરતી વખતે પપ્પુ યાદવે તેમને કહ્યું કે ગભરાવાની જરૂર નથી, તે તેમની સાથે છે. કાળિયાર શિકાર કેસને લઈને સલમાન ખાન લોરેન્સ ગેંગના ટોપ ટાર્ગેટ છે અને તેને વારંવાર ધમકીઓ મળી રહી છે.
આ પણ વાંચો :-