ઇનકમ ટેક્સમાં ધરખમ ફેરફાર બદલાવ બાદ હવે સરકારનું નવું ફોકસ કસ્ટમ ડ્યુટી સિસ્ટમમાં ફેરફાર કરવાનો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે, બજેટ 2026 પહેલાં તેમની આવનારી મોટી પ્રાથમિકતા કસ્ટમ્સ વિભાગમાં મોટો સુધારો કરવાનું છે. તેમણે તેને પોતાનું નેક્સ્ટ બિગ ક્લીન-અપ અસાઇનમેન્ટ જણાવ્યું.
નાણાં મંત્રીએ શું કહ્યું?
આગામી બજેટના સંદર્ભમાં નાણાં મંત્રીએ કહ્યું કે, કસ્ટમ્સ સિસ્ટમમાં સુધારો હવે જરૂરી બની ગયું છે. તેનાથી ન ફક્ત વેપારમાં સરળતા થશે પરંતુ, ભ્રષ્ટાચાર પર પણ લગામ લાગશે અને આયાત-નિકાસ પ્રક્રિયા સરળ અને પારદર્શક બનશે. હવે સમય આવી ગયો છે કે, જેમ સરકારે ફેસલેસ સિસ્ટમના રૂપે ઈનકમ ટેક્સના વહીવટમાં ફેરફાર કર્યા તેમ કસ્ટમ્સ વિભાગને પણ પારદર્શક અને આધુનિક બનાવે છે.
ટેક્સ ટેરેરિઝમ વિશે કરી વાત
નાણાં મંત્રીએ કહ્યું કે, સામાન્ય માન્યતા એવી હતી કે, ઈનકમ ટેક્સના દર સમસ્યા નથી. અસલી સમસ્યા ટેક્સનો વહીવટ કેવી રીતે હાથ ધરવામાં આવતો તેમાં હતી. આ પ્રક્રિયા ક્યારેક પીડાદાયક અને બોજારૂપ બની જતી, જેના કારણે ટેક્સ ટેરેરિઝમ જેવો નકારાત્મક શબ્દ ઉદ્ભવ્યો. જોકે, હવે ઓનલાઇન અને ફેસલેસ સિસ્ટમે ઈનકમ ટેક્સની પ્રક્રિયાને ખૂબ જ સહજ બનાવી દીધી છે.
સરકારની સફળતા
નિર્મલા સીતારમણે એ પ્રમુખ સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો જેને સરકારે છેલ્લાં અમુક વર્ષોમાં પાર કરી છે. તેમણે કહ્યું કે, સરકારે કોવિડ-19 મહામારી બાદ અર્થવ્યવસ્થાને સંભાળવું, વૈશ્વિક યુદ્ધના કારણે ખાદ્યાન્નો પર અસર, સરહદી તણાવ, ચૂંટણી વર્ષમાં આવશ્યક સરકારી ખર્ચ અને જમ્મુ-કાશ્મીરના બેન્કિંગ તંત્ર તેમજ અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા જેવા મોટા પડકારોને સફળતાપૂર્વક પાર પાડ્યા. પહલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને ફરી ઊભી કરી, જે સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.