સુરતમાં નકલી શેમ્પૂના રેકેટ બાદ હવે નકલી પાન-મસાલાનું મોટું કારખાનું ઝડપાયું છે. લસકાણા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવવામાં આવતા હતા. પોલીસે રાત્રિના સમયે ચાલતી આ ફેક્ટરી પર દરોડો પાડી ₹10 લાખના કાચા માલ સાથે એક યુવકની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે.
કંપનીની બાતમી પર પોલીસે રેડ કરી નોઈડા સ્થિત ધર્મપાલ સત્યપાલ લિ. (તુલસી, રજનીગંધા બ્રાન્ડના માલિક) દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ આ ડુપ્લિકેશન રેકેટની માહિતી મેળવી હતી. કંપનીના સિનિયર મેનેજર વિનય મલિકની સાથે લસકાણા પોલીસે ડાયમંડનગરની કળથિયા કોર્પોરેશન-3માં આવેલા એક કારખાનામાં રેડ કરી હતી.
ઓનલાઇન વેચાણથી ભાંડો ફૂટ્યો તપાસમાં જાણવા મળ્યું કે આ ડુપ્લિકેટ પાન-મસાલા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા હતા. કંપનીને જ્યારે આ અંગે શંકા ગઈ ત્યારે તેમણે મોટા પાયે ઓનલાઈન ઓર્ડર આપીને પેમેન્ટ ગેટવે અને અન્ય વિગતોના આધારે સુરતનું સરનામું શોધી કાઢ્યું હતું.
રાત્રે ચાલતું હતું કારખાનું આ રેકેટનો મુખ્ય સૂત્રધાર જયેશ પડસાળા (રહે. મોટા વરાછા) છે, જેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે કારખાનામાં નોકરી કરતા રમેશ હરિ ભેસરફાલની ધરપકડ કરી છે. જયેશે કોઈને શંકા ન જાય તે માટે પોતાની બ્રાન્ડ ‘નાઇન્થ રોક’ના ઉત્પાદનની આડમાં રાત્રિના સમયે આ ડુપ્લિકેટ કારખાનું ચલાવતો હતો. તે બ્રાન્ડેડ પાન-મસાલા જેવી જ સ્મેલ આવે એ માટે ખાસ પ્રકારના એસેન્સનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાએ સુરતમાં વધી રહેલા નકલી માલના કારોબારનો પર્દાફાશ કર્યો છે.