દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે બોમ્બની ધમકી મળતાં હડકંપ મચ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં કોર્ટના પરિસરમાં ત્રણ બોમ્બ મૂક્યા હોવાની અને બપોરે બે વાગ્યા સુધી હાઈકોર્ટ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેઈલમાં અમુક જાણીતા નેતાઓના નામ અને રાજકીય નિવેદનો પણ હતાં. દિલ્હી હાઈકોર્ટ બાદ બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી બાદ તાત્કાલિક ધોરણે બોમ્બે હાઈકોર્ટ પણ ખાલી કરાવવામાં આવી હતી.
સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લેતાં તમામ જસ્ટિસને તેમની ચેમ્બરમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વકીલો, સ્ટાફ અને હાજર તમામ લોકોને હાઈકોર્ટ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ સ્ક્વોડ, સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની ટુકડી તૈનાત કરવામાં આવી છે. પરિસરમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે. પોલીસને આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવી જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.