મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં શાળા છૂટ્યા બાદ ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાલાસિનોર નગરના તળાવ દરવાજા પાસે બની હતી. શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
શું છે મામલો
ઘટનાની વિગતો મુજબ, શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. છરીના ઘા વાગતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત બાળકના વાલીએ શું કહ્યું?
ઈજાગ્રસ્ત બાળકના પિતાએ જણાવ્યું કે, “શાળામાં બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બીજા બાળકે મારા બાળકને છરી મારી.” તેમણે વધુમાં જણાવ્યું કે, “મારા બાળકને ડાબા ખભાથી નીચે સુધી પાંચ જેટલા ઘા મારવામાં આવ્યા છે. બંને બાળકો વચ્ચે શું કારણ હતું તે જાણી શકાયું નથી, પરંતુ અંદરોઅંદરના ઝઘડાને કારણે આ મારામારી થઈ હતી.”
બાલાસિનોર ટાઉન પોલીસે કેસની તપાસ શરૂ કરી
પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને અન્ય સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ પ્રકારની ઘટનાઓ બાળકોના શિક્ષણ અને સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે. શાળાની બહાર પણ બાળકો સુરક્ષિત નથી તે વાલીઓ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે.