બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસ સ્થાને દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારની પટણા પોલીસે અટકાયત કરી છે. પોલીસે કન્હૈયાની સાથે સાથે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયભાન અને સ્ટેટ પ્રેસિડન્ટ ગરીબદાસ સહિત 30થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે.
મુખ્યમંત્રી આવાસ પર દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસના કાર્યકરોને અટકાવવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ કોંગ્રેસે પીછેહટ ન કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાયા બાદ મામલો થાળે પડ્યો હતો.
કન્હૈયા કુમારના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે 16 માર્ચથી પશ્ચિમી ચંપારણના ભિતિહરવાં સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમથી ‘પલાયન રોકો, નોકરી દો’ સુત્રોચ્ચાર સાથે પદયાત્રાની શરૂઆત કરી હતી. જે આજે પટના પહોંચી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ કન્હૈયા કુમાર કોંગ્રેસના કાર્યકરો સાથે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને દેખાવો કરવા જઈ રહ્યા હતાં.