અમદાવાદમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે રવિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અશફાક અજમેરી અને તેનો મિત્ર અક્રમ કુરેશી નામના બે યુવાનો તેમના એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી બ્રેઝા કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા અને તેના પર સવાર બંને યુવકો 100 ફૂટ સુધી ફંગોળાઈ ગયા હતા.
આ કરુણ અકસ્માતમાં બંને યુવકોએ જીવ ગુમાવ્યો છે.

અકસ્માતની જાણ થતાં જ યેન ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અકસ્માત સર્જનાર બ્રેઝા કાર પણ કબજે કરી છે. હાલ, પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં કુલ ચાર અકસ્માતોમાં ચાર લોકોના મોત થયા છે.