સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ઉધના મામલતદાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ યોજી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ઉધના-1ના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી (ઉમર 38 વર્ષ) ને રૂ.10,000ની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યા છે. આરોપી વર્ગ-3ના અધિકારી છે અને મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.
આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી મુજબ, તેના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકોના નામોની કાચી નોંધ પ્રમાણિત કરાવવા અરજી કરવામાં આવી હતી. આ કાયદેસર કામગીરી કરવાના બદલે આરોપી અધિકારીએ રૂ.10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબી દ્વારા સુયોજિત રીતે ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું. નક્કી યોજના મુજબ જ્યારે ફરિયાદી સર્કલ ઓફિસરને મળ્યા ત્યારે આરોપીએ ફરીથી રૂ.10,000ની લાંચની માંગણી કરી અને રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પર રંગેહાથ ઝડપી લીધો. તલાશી દરમિયાન સંપૂર્ણ લાંચની રકમ જપ્ત કરવામાં આવી.
આ ટ્રેપની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબીના નેતૃત્વ હેઠળ સુરત ગ્રામ્ય એસીબીની ટીમે કરી હતી. સમગ્ર ઓપરેશનની દેખરેખ સહાયક નિયામક આર.આર. ચૌધરી (એસીબી સુરત એકમ) દ્વારા કરવામાં આવી હતી, જ્યારે વડોદરા રેન્જના ઉપ નિયામક આઈપીએસ બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.