સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
સરસ્વતી વિદ્યાલય ની લાયબ્રેરી બંધ હાલતમાં હતી. આજે નવા લાયબ્રેરીયન આવતા તેમને બતાવવા માટે લાયબ્રેરી ખોલીને એસીની સ્વીચ શરૂ કરતાં જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. સ્કૂલમાં રહેલા એન્સ્ટિગ્યુસરથી આ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયર વિભાગે સ્કૂલમાં રહેલી ફાયર સેફ્ટીની પણ તપાસ કરી હતી. જેમાં ફાયર સેફ્ટી ચાલુ હોવાનું સામે આવ્યું હતું. જોકે તપાસ ચાલુ હોવાથી આજે સ્કૂલ બંધ રહેશે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ નિર્ણય લેવાશે.
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આગની ઘટનાની કોલ મળતાં જ અમારી ટીમ સ્કૂલે પહોંચી ગઇ હતી. સ્કૂલની લાઇબ્રેરીમાં એ.સી. ચાલુ કરતાં ધડાકા સાથે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સ્કૂલમાં હાજર ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.