Sunday, Sep 14, 2025

નર્મદ યુનિવર્સિટીમાં 20 ટકા ફી વધારાના નિર્ણય સામે ABVPનું વિરોધ

2 Min Read

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો અને વિવિધ વિભાગોમાં ચાલતા સેલ્ફ ફાઈનાન્સ હેઠળના અંડરગ્રેજ્યુએટ તથા પોસ્ટગ્રેજ્યુએટ કોર્સોની ફી 2025-26ના શૈક્ષણિક વર્ષથી 20 ટકા વધારવામાં આવી છે. આ વધારાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નારેબાજી કરતા ફી વધારો પરત લેવાની માંગ સાથે તંત્રને ચીમકી પણ ઉચ્ચારેલી કે જો ફી પાછી ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

ફી વધારાના આ પગલામાં માત્ર સેલ્ફ ફાઈનાન્સ કોર્સો જ નહીં, પરંતુ સ્ટુડન્ટ વેલ્ફેર એક્ટિવિટી ફી, પુસ્તકો અને ઇક્વિપમેન્ટ ફી, એમિનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડ જેવી રકમોમાં પણ 20 ટકાનો વધારો કરાયો છે. અગાઉના વર્ષોમાં પ્રથમ સેમેસ્ટરની ફી ₹2,110 હતી, જે હવે ₹2,355 થઈ ગઈ છે. બીજા સેમેસ્ટરની ફીમાં પણ ₹170 જેટલો વધારો નોંધાયો છે.

ત્રણ વર્ષ પહેલાં યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં ફી વધારાની ચર્ચા થઈ હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે 10 ટકા કરતાં વધુ ફી વધારો નહીં થાય. તેમ છતાં હાલ 20 ટકા સુધીનો વધારો અમલમાં મૂકાતા તંત્ર સામે અવાજ ઉઠવા લાગ્યો છે. વિદ્યાર્થીઓ માનતા છે કે આ નિર્ણય સામાન્ય વર્ગના વિધાર્થીઓની આવકની સામે અન્યાયભર્યો છે અને શિક્ષણને વધુ પહોંચે ન શકાય તેવું બનાવે છે.

Share This Article