સુરતમાં દિનપ્રતિદિન વધી રહેલી અપરાધિક પ્રવૃત્તિઓ, કાયદો વ્યવસ્થાની બિગડી હાલત અને દારૂ-ડ્રગ્સના ખુલ્લા વ્યવસાય સામે આમ આદમી પાર્ટી હવે સક્રિય બની છે. સુરત શહેર યુનિટ દ્વારા આજે પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ માંગણીઓ સાથે અવાજ ઉઠાવાયો હતો. આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના દિવસે જ કાપોદ્રા વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. આવું દુઃખદ બનાવ એ દર્શાવે છે કે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ગઈ છે.
આમ આદમી પાર્ટીએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ કરતાં કહ્યું કે, દારૂ અને ડ્રગ્સના કાળો ધંધો બંધ કરવો, હિંસક ઘટનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દારૂના અડ્ડાઓ પાછળના રક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તથા હથિયારના લાયસન્સ અંગે તપાસ કરવી જોઈએ.
આવેદનપત્રમાં કહેવાયું કે, શહેરના સામાન્ય નાગરિકો આજે અસુરક્ષા અનુભવતા થયા છે. બાળા-મહિલાઓ રસ્તાઓ પર ભય વગર ફરવાની વાત તો દૂર રહી, અનેક વિસ્તારોમાં ગુનેગારોના ટેરર હેઠળ લોકો જીવવા મજબૂર બન્યા છે. આમ આદમી પાર્ટીએ સુરતના નાગરિકોની વાણી બનીને પોલીસ તંત્ર સમક્ષ આ મુદ્દાઓ રજૂ કર્યા છે. હવે આરામ કરવાનો સમય નથી. દારૂ-ડ્રગ્સ અને હિંસાની સામે આમ આદમી પાર્ટી નાગરિકોની સાથે મળી મજબૂત લડત લડશે અને જરૂર પડે ત્યાં સુધી આ મુદ્દે સત્તાવાર રીતે પણ અવાજ ઉઠાવતી રહેશે.